Friday, 09 December 2022 | Login
મોરપીંછ.કોમ - મોરપીંછ.કોમ
મોરપીંછ.કોમ

મોરપીંછ.કોમ

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ શહેરના પ્રથમ ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યું હતું કે, ગરીબોની સેવા માટેનું સુશાસન કેવું હોય તેનું ઉત્તમ દ્રષ્ટાંત ગુજરાતે દેશને પુરૂ પાડયું છે.

શહેરી શ્રમયોગીઓની વિરાટ જનશકિતએ ગરીબ કલ્યાણમેળાને આપેલા અભૂતપૂર્વ સમર્થનને આવકારતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગરીબોને લૂંટનારા ૬૦ વર્ષ જુના રોગચાળાને નાબૂદ કરવા તેમની સરકાર પ્રતિબધ્ધ છે.

ગરીબી સામેની લડાઇમાં શહેરી ગરીબ પરિવારોને આર્થિક શકિત સાથે પ્રેરિત કરવાનો આ અનોખો સેવાયજ્ઞ આજે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો. તેમાં શહેરના શ્રમયોગી પરિવારોનો વિરાટ જનસાગર ઉમટ્યો હતો. મુખ્યમંત્રીશ્રી અને વિધાનસભાના અધ્યક્ષશ્રી સહિત મંત્રીશ્રીઓએ એક જ શમિયાણામાં ૬૦૨૫ લાભાર્થીઓને ૩૦ યોજનાઓમાં મળીને રૂ.૪૩.૩૮ કરોડના સાધન સહાય હાથોહાથ આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણમેળો એ સુશાસન-ગુડગવર્નન્સમાં વિશ્વાસ ધરાવે છે અને સૌ માટે ગરીબની સેવા કરવાનું ઉત્તમ માધ્યમ છે તેવું પુરવાર કર્યું છે.

ચૂંટણી આવે તો જ ગરીબની માળા જપવાની પરંપરા આ ગરીબ કલ્યાણ મેળાના અભિયાને તોડી છે. મતપેટીનું પતકડું કે મશીન નહીં પણ ગરીબ પણ સંવેદના-સપના-અરમાન અને હૈયું ધરાવતો માનવી છે. તેવી સંવેદના સાથે તેમની ઉમ્મીદ સાકાર કરવા આ અભિયાન ઉપાડયું છે તેમ તેમણે જણાવ્યું હતું.

આઝાદ ભારતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર કોઇ એક વ્યકિતને એક જ અભિયાનમાં ૫૦ લાખ ગરીબો સાથે સીધો સંવાદ કરવાનું સૌભાગ્ય કોઇને મળ્યું હોય તો આ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી મળ્યું છે. તેનો નિર્દેશ કરતાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, બજેટ, યોજના પહેલા પણ હતાં પણ અબજો રૂપિયા કોના પંજામાં, કોના હાથમાં ફસાઇ જતાં હતા ? જો ભૂતકાળમાં ગરીબોની યોજનાઓના રૂપિયા કયાંય ઘસાયા વગર ગરીબોના હાથમાં ગયા હોત તો ગરીબી આટલી વકરી જ ન હોત અને ગરીબની આ દૂર્દશા ના હોત તેમ તેમણે જણાવ્યું હતું.

ગરીબલક્ષી યોજનાના લાભો અને હક્કો લક્ષિત લાભાર્થીને કઇ રીતે મળે તેની સમજ ગરીબોની યોજનાનો અમલ કરનારા અધિકારી કે પદાધિકારી, જનપ્રતિનિધિ મીડિયા કે કોઇની નથી. તો ગરીબનું કઇ રીતે કોઇ સાંભળે ? તેની ભૂમિકા આપી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબને છેતરનારા ‘‘ઉપરવાળાના નામે'' કેવી રીતે ગરીબોના હક્કો લૂંટવાના કારસા ૬૦ વર્ષ સુધી કેવી રીતે ચાલતા રહ્યા તેની સમજ પણ આપી હતી. ‘‘મારે આ ગરીબ કલ્યાણમેળાથી આ રોગચાળાને નાબૂદ કરવો છે, ગરીબનું લોહી ચૂસનારા, શોષણ કરનારા ઉપર ગરીબ કલ્યાણમેળાનું બુલડોઝર ફરી રહ્યું છે'' તેમ તેમણે જણાવ્યું હતું.

આ સરકારે ગરીબોના કલ્યાણની કેટકેટલીય યોજનાઓ અમલી બનાવી છે. ગરીબોને શિક્ષિત બનાવવા જન્મથી મરણ સુધીની મુસીબતોના સમયે ગરીબોની બેલી તરીકે આ સરકારે એક એક ડગલે ને પગલે ઉભી રહેવા પ્રયાસો કર્યા છે. તેની વિગતવાર સમજ પણ તેમણે આપી હતી. ગુજરાતના કોઇપણ ખૂણે ૧૦૮ ઇમરજન્સી સેવા ગરીબને ૨૪ કલાક સારવાર મળે તેવી વ્યવસ્થા કરી છે અને જીંદગી બચાવી છે તેમ તેમણે જણાવ્યું હતું. શહેરમાં રોજી માટે આવતા ગરીબ શ્રમજીવીને આવાસ માટે એકલા અમદાવાદ શહેર માટે જ રૂપિયા ૫૨૫ કરોડનો આવાસ પ્રોજકટ હાથ ધર્યો છે તેની માહિતી આપતાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની સ્વર્ણિમ જયંતિના વર્ષમાં હજ્જારો ગરીબને પાકા સુવિધાવાળા આવાસો આપી દેવાની નેમ વ્યકત કરી હતી.

વિરાટ જનસમુદાય પાસે સામુહિક સમર્થન મેળવીને મુખ્યમંત્રીશ્રીએ આ ગરીબ કલ્યાણમેળામાંથી એક કુટેવ છોડવાનો સંકલ્પ લઇને હ્ય્દયસ્પર્શી અપીલ કરી હતી. એક કુટેવ છોડવાથી ગરીબી સામેની લડાઇની તાકાત અનેકગણી વધી જશે તેમ તેમણે જણાવ્યું હતું. ‘‘ગરીબની મોટી મુસીબત દેવાના ડુંગરમાં ડુબાડી દેતા વ્યાજખાઉં શોષણખોરોની ચૂંગાલમાંથી મુકત થવાની છે'' તે માટે મુખ્યમંત્રીશ્રીએ ગરીબ માનવીને દેવામાંથી છોડાવવા ગામે ગામ સવા લાખ સખીમંડળોની લાખો બહેનોના હાથમાં રૂપિયા ૪૦૦ કરોડનો વહીવટ આર્થિક પ્રવૃત્તિ તરીકે મુકયો છે તેની શકિતની રૂપરેખા આપી હતી. તેમણે સખીમંડળોની બહેનોને ગરીબોના વ્યાજ અને દેવા મુકિત માટે રૂ.૧૦૦૦ કરોડ આપવાની જાહેરાત કરી હતી અને વર્ષ ૨૦૧૪ સુધીમાં રૂપિયા ૫૦૦૦ કરોડનો વહીવટ અપાશે તેમ તેમણે જાહેર કર્યું હતું.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, સમાજમાં ધનિક અને ગરીબ તેમ બે વર્ગ વચ્ચેની ખાઇ ઘટાડવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબી સામેનું યુધ્ધ છેડયું છે. ગરીબી સામેના યુધ્ધ સમાન આ ગરીબ કલ્યાણમેળા દ્વારા ૨૫ લાખ જેટલા લાભાર્થીઓને હાથોહાથ હકક અપાયા છે. સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢીને દેશના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ ગુજરાતે ઉમેર્યું છે. નકસલવાદ અને માઓવાદ જેવી આતંકી પ્રવૃત્તિથી ૪૦ ટકા જેટલો ભૂ ભાગ અસરગ્રસ્ત છે ત્યારે ગુજરાત આ સમસ્યાથી દૂર છે તેના પાયામાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ શાસનશૈલી છે. મંત્રીશ્રીએ ગરીબો, પીડીતો, શોષિતોના કલ્યાણ માટે અમલી બનાવાયેલી અનેક યોજનાઓની જાણકારી આપી હતી.

અમદાવાદના મેયર શ્રી કાનાજી ઠાકોરે જણાવ્યું હતું કે, ગરીબોના ઘર સુધી તેમના લાભો પહોંચાડવાનો આ અભિગમ છે. સમાજ સુરક્ષા આવાસ યોજના બેન્કેબલ જેવી યોજનાઓ અંતર્ગત ગરીબોને લાભાન્વિત કરાયા છે. તેમણે મહાનગરપાલિકા દ્વારા અમલી બનાવાયેલી કલ્યાણ યોજનાઓની વિગતો આપી હતી.

આજે યોજાયેલા ગરીબ કલ્યાણમેળામાં અમદાવાદ શહેરના ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ, ગોમતીપુર, રાજપુર, સરસપુર, નવા નરોડા, દાણીલીમડા તથા બહેરામપુરા એમ દસ વોર્ડના ૬૦૨૫ લાભાર્થીઓને રૂ.૪૩.૩૮ કરોડના લાભ સહાય અપાયા હતા.

આ પ્રસંગે અનેક દાતાઓએ મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણીનિધીમાં કુલ રૂ.૮,૧૮,૧૦૦/-ના ચેક અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી અશોકભાઇ ભટ્ટ, મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, ગૃહ રાજ્ય મંત્રી શ્રી અમીતભાઇ શાહ, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પ્રદિપસિંહ જાડેજા, સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, શ્રી યોગેશ પટેલ, જયદ્રથસિંહ પરમાર, સાંસદ શ્રી હરિનભાઇ પાઠક, ડા૆.કિરીટભાઇ સોલંકી, કર્ણાટકના ગ્રામવિકાસ મંત્રી શ્રી જગદીશ શેત્તર, ધારાસભ્ય સર્વ શ્રી બાબુભાઇ જે.પટેલ, ગીતાબેન પટેલ, વલ્લભભાઇ કાકડીયા, જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી રાકેશ શાહ, પૂર્વ મંત્રી શ્રી કૌશિક પટેલ, અન્ય પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી આઇ.પી.ગૌતમ અને જિલ્લા કલેકટર શ્રી હારિત શુકલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય સરકારે આજે વિધાનસભામાં રજૂ કરેલા સને ર૦૧૦-૧૧ના અંદાજપત્રને, સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં ગુજરાતની વિકાસયાત્રાને તેજ ગતિ આપનારૂં, પ્રગતિના નવા સોપાનો સર કરવા માટે લોકભાગીદારીને જોડનારૂં અને વિકાસના લાભો સૌને આપનારૂં, સક્ષમ બજેટ ગણાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ૧૯૬૦માં સ્થાપના પછી, ગુજરાતનું પ્રથમ બજેટ સ્વ. મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાએ ૧૯૬૧-૬રમાં રજૂ કર્યું હતું જેની વાર્ષિક યોજનાની જોગવાઇ રૂ. ૩૩.૧૯ કરોડની હતી. આજે ગુજરાતની વિકાસયાત્રાના પ૦ વર્ષે ગુજરાતનું વાર્ષિક યોજનાનું કદ રૂ. ર૯પ૦૦ કરોડ ઉપર પહોંચ્યું છે. ૧૯૬૦થી ર૦૦૧ સુધીના ગુજરાતના પ્રથમ ચાર દાયકામાં થઇને પંચવર્ષીય યોજનાઓનું કુલ આયોજન રૂ. ૪૩૭પ૬ કરોડનું હતું જ્યારે ર૧મી સદીના આ પ્રથમ દાયકામાં (સને ર૦૦૧ થી ર૦૧૦) ગુજરાતના આયોજિત વિકાસે હરણફાળ ભરીને રૂ. ૧,૧૮,૭૬૧ કરોડનું આયોજન પરિપૂર્ણ કર્યું જે અગાઉના ૪૦ વર્ષના નાણાંકીય આયોજન કરતા ત્રણ ગણું યોજનાનું કદ પૂરવાર કરે છે. આમ, ગુજરાતની છેલ્લા એક દશકાની પ્રગતિની જે તેજ રફતાર અવિરત ચાલી રહી છે તેમાં રાજ્ય સરકારના સુચારૂ અર્થવ્યવસ્થાપન અને આર્થિક શિસ્તનો મહત્વનો ફાળો છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે પુરાંતવાળા અંદાજપત્રની તેની પરંપરા જાળવી રાખી છે અને નવા કરવેરાના ભારણથી પ્રજા ઉપર બોજ આવે નહીં તે રીતે નાગરિકોની સુખાકારી અને નિરંતર વિકાસની કાળજી લઇ નાણાંકીય વ્યવસ્થાપન કર્યું છે. કેન્દ્ર સરકારની કેન્દ્રીય વેચાણવેરા માટેની

અનિશ્ચિત નીતિના કારણે રાજ્યની આવકમાં ઘટાડો થતા, વિકાસ યોજનાઓ માટે પૂરતા નાણા મળી રહે તે માટે રાજ્યના આ બજેટમાં જે સૂચિત વ્યવસ્થા કરી છે તેમા કેન્દ્ર સરકારનું વલણ વિધેયાત્મક થશે તો તેનાથી પણ પ્રજા ઉપર વેરાનું વધારાનું ભારણ પડશે નહીં એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની ગરીબો, વંચિતો અને ગ્રામ્ય અર્થતંત્રના વિકાસની પ્રાથમિકતાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે સમગ્રતયા આ અંદાજપત્રની કુલ જોગવાઇના ૭ર ટકા સામાજિક સેવા અને માળખાકીય વિકાસના ક્ષેત્રો તથા ગ્રામીણ કૃષિ અર્થતંત્રની પ્રગતિને આવરી લે છે જેમાં ૪ર ટકા સામાજિક સુખાકારી સેવાઓમાં ગુણાત્મક પરિવર્તન તથા ૩૦ ટકા ખેતીવાડી અને ખેડૂતો માટેની જોગવાઇઓનો સમાવેશ થાય છે.

લાંબાગાળાના આર્થિક વિકાસની નવતર પહેલરૂપે તેમણે લાખો મહિલાઓની ભાગીદારીથી આર્થિક પ્રવૃતિ માટેના સખીમંડળોને આવરી લઇને મિશન મંગલમ્ યોજના દ્વારા નારીસશકિતકરણ અને લાખો યુવાનો માટે ખેલ મહાકુંભ ઉપરાંત ગ્રામસ્તરે કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્રોના નેટવર્ક દ્વારા યુવાશકિતને કૌશલ્ય નિર્માણના અવસરો આપવાની યોજનાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

આમ મહિલા અને યુવાશકિત, ખેડૂત અને કૃષિ-ગ્રામ અર્થતંત્રના ચાર સુદ્રઢ પાયા ઉપર ગુજરાતના સ્વર્ણિમ જ્યંતી વર્ષની પ્રગતિને ચાર ચાંદ લાગી જવાના છે એવો સંકલ્પ તેમણે વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે બે નવા પ્રોજેકટ તરીકે રામાયણ સંસ્કૃતિ સાથે સંકળાયેલા ડાંગ જિલ્લામાં રામ-હનુમાન પાવનપથ પ્રોજેકટ અને સંતનગરીના નિર્માણના પ્રોજેકટની રૂપરેખા આપી હતી તેમણે જણાવ્યું કે ભારતની સંત-ઋષિ પરંપરાના છેલ્લા પાંચ સદીના રપ૦૦ કરતા વધારે સંતોના જીવનમૂલ્યો અને સંત પરંપરાની સંસ્કૃતિના દર્શન-તીર્થ માટે સંતનગરીનું નિર્માણ અને ડાંગના વિસ્તારોમાં હનુમાનજીનું જન્મસ્થળ અગ્નિકુંડ, માતા અંજનીનું નિવાસસ્થાન અંજની ગુફા, માતા શબરી અને સીતા માતાના સ્નાન માટેના ઉનાઇ સહિતના રામાયણ-પ્રાચિન પ્રવાસન તીર્થના વિકાસ માટે રામ-હનુમાન પાવનપથનો પ્રોજેકટ હાથ ધરાશે, જે ગુજરાતને વિશ્વના પ્રવાસન પ્રેમીઓ માટે પ્રેરણાતીર્થની ઓળખ આપશે.

મુખ્યમંત્રીશ્રીએ એવો નિર્ધાર વ્યકત કર્યો હતો કે ગુજરાતના સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં ર૧મી સદીના બીજા દાયકાના આ પ્રથમ બજેટમાં જનશકિતની ભાગીદારીથી ગુજરાત, હરેક ક્ષેત્રમાં નવી ઊંચાઇઓ ઉપર પહોંચવાના મનોરથ પૂર્ણ કરી શકે તેવો અભિગમ અપનાવ્યો છે.
 
માહિતી કમિશનરની કચેરી, ગુજરાત સરકાર

મુખ્યમંત્રીશ્રીએ નરેન્દ્રભાઇ મોદીને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશનના ગુજરાતમાં પ૦ વર્ષ નિમિત્તે આજે ઓએનજીસીના એકઝીકયુટીવ ડિરેકટરશ્રી અનિલ ઝોહરીએ મુખ્યમંત્રીશ્રીની તેલ-વાયુના સારકામ માટેની અઘતન ટેકનોલોજી SUCKER ROD PUMPની પ્રતિકૃતિ ભેટ આપી હતી. ગુજરાતમાં તેલ-ગેસના સારકામ માટે આ પ્રકારના બે હજાર જેટલા આધુનિક સકર રોડ પંપ કાર્યરત છે.

ઓએનજીસી દ્વારા ગુજરાતની સાયન્સ સિટી સંકુલમાં ઓઇલ પેવેલિયનનું નિર્માણ કરવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. આ હેતુસર ૧૦૦૦ ચો.મી.ના ઓઇલ મ્યુઝિયમની રૂપરેખા પણ શ્રી અનિલ ઝોહરીએ આપી હતી.
 
ગુજરાત માહિતી બ્યુરો, ગુજરાત સરકાર

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ.૫૬૨ કરોડની પ્રથમ હપ્તાની ગ્રાન્ટનું વિતરણ કરતાં પ્રત્યેક નગરપાલિકા-મહાનગરપાલિકામાં ઉત્તમ વિકાસની સ્પર્ધાનું વાતાવરણ સર્જવાનું આહ્વા કર્યું હતું.

ગુજરાતની સ્વર્ણિમ જયંતીનો અવસર તદ્ન નજીક આવી રહ્યો છે ત્યારે નગરની આન-બાન-શાન સુવર્ણાક્ષરે અંકિત થાય તે માટેનું નેતૃત્વ નગરજનોમાં પૂરું પાડવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સાડા ત્રણ હજાર શહેરી જનપ્રતિનિધિઓને તેમણે પ્રેરક આહ્વાન કર્યું છે.

ગુજરાતના શહેરી વિસ્તારોના સર્વાંગીણ વિકાસ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાના સશકિતકરણની આગવી પહેલરૂપે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યની સાત મહાનગરપાલિકાઓ અને ૧૫૯ નગરપાલિકાઓના વહીવટને નાગરિક કેન્દ્રીત અને સક્ષમ બનાવવા આ મહત્વાકાંક્ષી યોજના અન્વયે કુલ રૂ.૫૬૨ કરોડની ગ્રાન્ટ પ્રથમ હપ્તા પેટે આજે મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે યોજાયેલા ખાસ સમારોહમાં વિતરીત કર્યા હતા.

શહેરી વિકાસ વિભાગ આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના તમામ મહાનગરો અને શહેરોની સ્થાનિક સ્વરાજ સંસ્થાના મેયરશ્રીઓ, પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ ઉપરાંત સંસદસભ્યો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સમયદાન વેબપોર્ટલનું લોકાર્પણ કરીને જણાવ્યું કે, નગરોમાં સંશાધનો અને કાર્યક્ષમતા માટે આ સરકારે બધું જ આપ્યું છે. આ સ્વર્ણિમ જયંતી વર્ષની ઉજવણી માટે નગરજન ભાગીદારી આંદોલન બની રહે તેવી પ્રેરણા આપી હતી. શહેરી વિકાસની તરાહ આખા ગુજરાતના નગરોના રૂપરંગ બદલી શકે તેમ છે તેવી ક્ષમતા સ્થાનિક સ્વરાજ સંસ્થાના વહીવટકર્તા-નગરસેવકોએ બતાડવાની છે.

છેલ્લા એક દસકા પહેલાં નગરો અને મહાનગરોના વહીવટની કેવી સમસ્યાઓ અને આર્થિક સંકટની કેવી સ્થિતિ હતી તેનો ચિતાર આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, જ્યાં ૪૦ ટકા શહેરી વસતિ શહેરી સુખાકારી ઉપર નિર્ભર છે તેવા ગુજરાતમાં કે બીજે કયાંય શહેરી વિકાસની સંતોષકારક સ્થિતિ નહોતી. આ મનોમંથનથી ગુજરાતે પોતે જ પોતાના શહેરી ક્ષેત્રોની સમસ્યાના ઉકેલનો માર્ગ શોધવો પડે તેનું બીજ પ્રગટયું અને ૨૦૦૫ના શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી નગરો અને મહાનગરોના વહીવટ અને જનસેવા સુવિધામાં ગુણાત્મક બદલાવનો વિશાળ પ્રતિસાદ અને સહયોગનું વાતાવરણ ઉભું થયું તેની વિષદ રૂપરેખા મુખ્યમંત્રશ્રીએ આપી હતી.

શહેરી વિકાસ માટેના પહેલરૂપ સુધારાત્મક પગલાંની બાબતમાં ગુજરાતે સમગ્ર દેશમાં પ્રેરણા આપી છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દરેક શહેરમાં જનપ્રતિધિઓ વિકાસ માટેનું સપનું જોતા થયા છે. શહેરી વહીવટને સક્ષમ બનાવવાનો દ્રષ્ટિકોણ ઉભો થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કુલ ૭૦૦૦ કરોડની છે અને આજે રૂ.૫૬૨ કરોડની પ્રથમ હપ્તાની ગ્રાંટ ફાળવી છે. સને ૨૦૦૧માં આખા શહેરી વિકાસ વિભાગનું બજેટ જ રૂ.૨૪૧ કરોડ હતું જયારે આજે એક જ શમિયાણામાં ૧૫૯ નગરો અને સાત મહાનગરોને રૂ.૫૬૨ કરોડ મળ્યા છે ત્યારે આજનો સંકલ્પ એ જ હોય કે દરેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા આગામી પહેલી મે સુધીમાં પ્રત્યેક શહેરના વિકાસના પેરામીટર્સનું પરર્ફોમન્સ કરી બતાવશે. જે નગરપાલિકા પ્રથમ હપ્તાની હેતુપૂર્વક ગ્રાન્ટ સમયબધ્ધ ઉપયોગ કરે તેને બીજો હપ્તો તત્કાળ મળે અને જે ના કરી શકે તેની ગ્રાંટની રકમ જે નગરે ઉત્તમ કામ કર્યું હોય તેને વિશેષ પુરસ્કારરૂપે મળે. દરેક શહેરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થા વિકાસની સ્પર્ધાનું વાતાવરણ બને તેવો અનુરોધ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આખા દેશમાં ગુજરાતના વિકાસની નીતનવી સિધ્ધિઓની ચર્ચા ચાલી રહી છે ત્યારે શહેરી વિકાસની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ શા માટે કદમથી કદમ મીલાવી ન શકે ? તેવું આહ્વાન મુખ્યમંત્રીએ શહેરી ક્ષેત્રના વહીવટ સાથે જોડાયેલા સાડા ત્રણ હજાર જેટલા જનપ્રતિનિધિઓને કર્યુ હતું.

૪૦ ટકા શહેરી જનતા જનાર્દનની સુખાકારીની જવાબદારીનો અહેસાસ કરાવવા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આહવાન કર્યું હતું.

શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારોના સર્વાંગિણ વિકાસ માટે રૂ.૭૦૦૦ કરોડની મહત્વાકાંક્ષી યોજનાની ભૂમિકા આપી હતી. શહેરી વિકાસના ભાવિ આયોજનો માટે શહેરી માળખાકીય સુવિધા વિશ્વકક્ષાની બનાવવાની મુખ્યમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પહેલની તેમણે વિષદ છણાવટ કરી હતી. શહેરી વિકાસ માટેના બજેટમાં દસગણો વધારો કરીને શહેરી જનસુખાકારીના નવા આયામો ગુજરાતે મુખ્યમંત્રીશ્રીના કુશાગ્ર નેતૃત્વમાં સર કર્યા છે અને આ વર્ષે રૂ.૩૦૧૫ કરોડનું માતબર બજેટ શહેરી જનસુખાકારી અને શહેરી વિકાસની ભાવિ જરૂરિયાતો સંતોષવા રાજ્ય સરકારે આપ્યું છે. સૌનો સમ્યક વિકાસ અને પાયાના સુખાકારીના કામો એ વર્તમાન સરકારની નેમ છે તેમ તેમણે જણાવ્યું હતું.

પ્રારંભમાં શહેરી વિકાસ અગ્રસચિવ શ્રીમતી ગૌરી કુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પ્રભારી મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, વન મંત્રી શ્રી મંગુભાઇ પટેલ, ઉર્જા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, સંસદીય સચિવ શ્રી જયદ્રથસિંહ પરમાર સહિત પદાધિકારીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
 
માહિતી કમિશનરની કચેરી, ગાંધીનગર

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા એશિયન દેશોના ઇન્ફરમેશન ટેકનોલોજી સેકટરના ર૮ સભ્યોના વ્યાપાર વાણિજ્ય પ્રતિનિધિમંડળે ગુજરાત સરકારના આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર નેટવર્ક, ઇ-ગવર્નન્સ અને આઇટી ઇન્સેન્ટીવ પોલીસી સહિતના અનેકવિધ નવા આયામોથી પ્રભાવિત થઇને ગુજરાતમાં આઇટી ક્ષેત્રે બિઝનેસ પાર્ટનરશીપ માટેની તત્પરતા વ્યકત કરી હતી.

ગુજરાતની મૂલાકાતે આવેલા આ એશિયન બિઝનેસ ડેલિગેશનમાં ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, ફિલીપાઇન્સ, મ્યાનમાર, વિયેટનામ સહિતના એશિયાના વિવિધ દેશોના આઇટી ક્ષેત્રની કંપનીઓના બિઝનેસ અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રી સાથે સૌજન્ય બેઠક યોજીને અમદાવાદમાં ઇન્ડો-એશિયન આઇટી બિઝનેસ એલાયન્સ મીટનું આજે આયોજન કર્યું હતું અને આગામી વર્ષે ગુજરાતમાં ઇન્ડિયાસોફટઃર૦૧૧ યોજવાના આયોજનની પણ રૂપરેખા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ નેટવર્ક, ૬પ૦૦૦ કી.મી.નું ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક, ર૪ X ૭ નિરંતર સુનિશ્ચિત વીજપૂરવઠો સૌથી વધુ ટેલીકોમ્યુનિકેશન ડેન્સીટી, રાજ્ય સરકારનું પ્રોએકટીવ ઇ-ગવર્નન્સ, ન્યાયતંત્રમાં ઇ-કોર્ટની આગવી પહેલ, બધી ૧૩૬૯૩ ગ્રામ પંચાયતો ઇ-ગ્રામ બ્રોડબેન્ડ કનેકટીવિટીની સુવિધા અને આઇટી ઇન્સેન્ટીવ પોલીસીની વિશેષતા આ વિદેશી આઇટી બિઝનેસ ડેલિગેટોને સમજાવી હતી.

રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી અગ્ર સચિવશ્રી રવિ સકસેના અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી જી. સી. મુર્મુ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા.
 
માહિતી કમિશનરની કચેરી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર હિન્દુસ્તાનમાં સૂરત શહેરી વિકાસનું સર્વાંગી મોડેલ બને તેવું આહવાન આજે સુરતમાં ગુજરાતના પ્રથમ એવા ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરનું લોકાર્પણ કરતાં આપ્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિત અંતર્ગત, ગુજરાતના સૌથી વિશાળ એવા ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરનું નિર્માણ, સુરતમાં સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે હાથ ધર્યું છે. એકંદરે રૂા. ૪૫ કરોડના ખર્ચે નિર્માણાધિન આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ અન્વયે પ્રથમ તબક્કામાં પ્રદર્શન કેન્દ્રનું લોકાર્પણ આજે મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. ગુજરાત સરકારે આપેલી ૧.૧૬ લાખ ચો.મી જમીન ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ સંમેલન-પ્રદર્શન સંકુલ સૂરતના વ્યાપાર ઉઘોગની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનું ઘોતક બની રહેશે. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે આયોજીત ઉઘોગઃ૨૦૧૦ મેગા પ્રદર્શનનું ઉદધાટન પણ કર્યું હતું. અને ચીન, જાપાન, અમેરિકા, કોરિયા સહિતની આંતરરાષ્ટ્રીય વેપાર-ઉઘોગની રોનક સાથે પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું.

સૂરતને કન્વેન્શન સેન્ટરરૂપે નજરાણું મળ્યું છે અને “આખી દુનિયાની નજર ગુજરાતના વિકાસ ઉપર છે અને એની આંખ સૂરત ઉપર કેન્દ્રિત થયેલી છે” એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ આંતરરાષ્ટ્રીય કક્ષાના ભવિષ્યના વિકાસના નવતર આયામોનો દૃષ્ટિકોણ કેળવવા માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને અભિનંદન આપ્યા હતા.

સૂરતના વ્યાપાર-ઉઘોગની શાન અને કુશળતા, ગ્રામક્ષેત્રમાં જે પરંપરાગત વ્યવસાય કૌશલ્યની ગરીબ કારીગરોમાં ક્ષમતા પડેલી છે તેને આ માળખાકીય સુવિધા વિકાસ માટેનો અવસર પૂરો પાડશે એવો વિશ્વાસ વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના સંપન્ન વિસ્તારમાં આધુનિકતમ ગ્રામહાટનું સંકુલ ગ્રામ્ય કલા કારીગરીના કુટિર ઉઘોગને વિશાળ બજાર પૂરું પાડી રહ્યું છે એની ભૂમિકા આપી હતી.

તેમણે જણાવ્યું કે, વૈશ્વિક અર્થતંત્રના ઝડપથી બદલાઇ રહેલા પ્રવાહોમાં વ્યાપાર ઉઘોગની નવી ક્ષિતિજો માટે સૂરત જેવા આર્થિક પ્રવૃત્તિના નીતનવા ધબકાર ઝીલતા કેન્દ્રોએ આધુનિક માળખાકીય સુવિધા વિકાસની શકિતરૂપે ઉભરવું પડશે.

વિકાસ માટે સરકારની હાજરી ઓછામાં ઓછી હોય અને જનશકિતની તાકાતથી જ બધું શકય છે એવું વાતાવરણ સર્જવાની નેમ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, “અ-સરકારી એ જ અસરકારી” એવો મંત્ર લઇને સરકારની વ્યવસ્થાની મર્યાદા કરતા વિકાસના અનેક નવા આયામોની તાકાત સમાજે ઊભી કરવી પડશે. આ હેતુસર “મીનીમમ ગવર્મેન્ટ, મેકસીમમ ગવર્નન્સ”ની રૂપરેખા તેમણે આપી હતી.

૧લી મે, ૨૦૧૦થી સમગ્ર ગુજરાતમાં સ્વર્ણિમ જયંતીના અવસરે હિન્દુસ્તાનના અર્બન ડેવલપમેન્ટ મોડેલ તરીકે સૂરત એક સક્ષમ શહેરનું દૃષ્ટાંત પૂરું પાડે અને શહેરી સેવા-સુવિધા સુખાકારી માટે દેશને દિશાદર્શક બને તેવું આહવાન તેમણે આપ્યું હતું.

સૂરતની મહાશકિતમાં અપાર ક્ષમતા પડેલી છે અને માત્ર આર્થિક સમૃદ્ધિના સર્જનમાં જ નહીં સામાજિક સેવા, શિક્ષણ આરોગ્ય અને સુખાકારીના અનેક ક્ષેત્રોમાં શાન વધારી છે એમ તેમણે સૂરતની નાગરિક શકિતને બિરદાવતાં જણાવ્યું હતું.

સ્પષ્ટ અને પારદર્શક ઉઘોગનીતિ અને તેમાં માળખાકીય સુવિધાઓના વિકાસની હાર્દરૂપ જોગવાઇને કારણે આજે ગુજરાત વિશ્વના આ ભાગમાં સહુથી વધુ ઝડપથી વિકસતો પ્રદેશ બન્યો છે. તેવી લાગણી વ્યકત કરતા ઉઘોગ રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, જેમાં ૯૦ બિલીયન ડોલરનું રોકાણ થવાનું છે તેવા ડીએમઆઇસીનો ૩૮ ટકા ભાગ ગુજરાતમાં છે. રાજ્યના ૧૬ જિલ્લાઓને તેનો લાભ મળવાનો છે. તેના ૦૬ પૈકીના ૦૩ નોડસ દક્ષિણ ગુજરાતમાં હોવાને કારણે વિપુલ મૂડીરોકાણ, માળખાકીય સગવડોમાં વધારો અને રોજગારીનું સર્જન આ વિસ્તારમાં ધણાં મોટાં પાયે થવાનું છે. આ કન્વેશન સેન્ટરનું નિર્માણ કરીને એસજીસીસીઆઇએ વિકાસની ઇચ્છાશક્તિ પુરવાર કરી છે. તેના માટે ચેમ્બર અભિનંદનને પાત્ર છે.

મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યક્રમમાં ચેમ્બરનો “સમૃધ્ધિ” મુખપત્ર અને વિશેષાંક ઉજાશનું વિમોચન કર્યુ હતું. જિલ્લા સરકારી વકીલશ્રી નયન સુખડવાલા અને રેશમાં નિલેશ માંડલેવાલાએ કન્યા કેળવણી નિધિ માટે રૂ.૧,૧૧,૧૧૧ ના બે ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યા હતા.

ઉઘોગ મહા પ્રદર્શનના આયોજન ધ્વારા એસજીસીસીઆઇ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં સહભાગી બને છે તેવી લાગણી વ્યકત કરતા સંસ્થાધ્યક્ષશ્રી નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે ચેમ્બરે વાયબ્રન્ટ ગુજરાત ૨૦૦૩ ના મુખ્યમંત્રીશ્રી પ્રેરીત સ્વપ્નના રૂપમાં આ આંતર રાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટર સાકાર કર્યુ છે. દેશના વેપાર ઉઘોગની પ્રગતિમાં આ ચાવીરૂપ માળખાકીય સગવડ પુરવાર થશે. તેમણે સુરતને હવાઇ જોડાણ મેળવી આપવામાં રાજ્ય સરકાર અને સાંસદો મદદરૂપ બનશે તેવી એપેક્ષા વ્યકત કરતાં જણાવ્યું હતું કે ટ્રેડ સેન્ટર બ્રાંડ ઇન્ડિયાનું પ્રતિક બનશે.

આ પ્રસંગે નાગરિક પુરવઠા અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, નાણાં અને ઉઘોગ રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, સાંસદો સર્વશ્રી પ્રવિણભાઇ નાયક, દર્શના જરદોશ, સી.આર.પાટીલ, મેયર અને વિધાયકશ્રી રણજીભાઇ ગીલીટવાળા, ધારાસભ્યો સર્વશ્રી કિશોરભાઇ વાંકાવાળા, નાનુભાઇ વાનાણી, કિરીટભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર કુ.એસ.અપર્ણા, કલેકટરશ્રી એ.જે.શાહ, પાલિકા ટાઉન પ્લાનીંગ સમિતિના અધ્યક્ષશ્રી નીતિન ભજીયાવાળા, ચેમ્બર પદાધિકારીઓ સર્વશ્રી અરૂણ જરીવાળા, હેતલ મહેતા, પક્ષ અધ્યક્ષશ્રી પૂર્ણેશ મોદી સહિત વેપાર ઉઘોગ જગતના અગ્રણીઓ અને વ્યવસાયીકોનો વિશાળ સમુદાય ઉપસ્થિત રહયા હતા. શ્રી અરૂણભાઇ જરીવાળાએ અધ્વિતીય અને આંતર રાષ્ટ્રીય સ્તરના ટ્રેડ અને કન્વેશન સેન્ટરની સ્થાપના અને વિશેષતાઓની ટૂંકી માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઉદ્‍ધાટન બાદ સેન્ટરની સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું.

રૂા.૭૫ કરોડના ખર્ચે સાકાર થયેલું ચેમ્બર ઓફ કોમર્સનું આ આંતરરાષ્ટ્રીયકક્ષાનું કન્વેન્શન સેન્ટર તેના એકપણ પીલર વિનાના ૧,૧૬,૦૦૦ ચો.મીના સંપૂર્ણ વાતાહનુકૂલિત ડોમમાં ૬૫ હજાર ચો.ફુટ ક્ષેત્રમાં એકિઝબિશન માટેની સુવિધા ધરાવે છે. જેમાં ચાર જુદાજુદા પ્રદર્શનો એકસાથે આયોજીત કરી શકાશે. ઇન્ટરનેટ ફેકસની સુવિધાઓ ધરાવતું બિજનેશ સેન્ટર, મેડિકલ રૂમ, કોફીશોપ તથા રેસ્ટોરાંની પણ સવલતો છે. ચાર મિટીંગ હોલ તથા પ્રેસ મિડીયા માટે અલાયદા ખંડની સગવડ અહીં ઉપલબ્ધ છે.

ગુજરાત માહિતી બ્યુરો

ગાંધીનગર, શુક્રવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારત સરકારના નિર્મળ ગ્રામ પુરસ્કાર આજે ગુજરાતની ૩૫૦ ગ્રામ પંચાયતોને એનાયત કરતા, સ્વર્ણિમ જયંતી વર્ષમાં, ગુજરાતના ૧૮૦૦૦ ગામોમાં નિર્મળ ગ્રામ બનાવવા માટે સ્વચ્છતાની તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ જગાવવા આહવાન કર્યું હતું. એક નિર્મળ ગ્રામ બીજા ગામને નિર્મળ ગ્રામ બનાવવાનું પ્રેરક કર્તવ્ય ઉપાડે તેવું સૂચન કર્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ સ્વચ્છતા માટેનો પર્યાવરણ મંત્ર આપ્યો હતો, ‘‘હું ગંદકી કરીશ નહીં, ગંદકી થવા દઇશ નહીં'' - ગામની એકેએક વ્યક્તિ આ કર્તવ્યનું પાલન કરે સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન અન્વયે ભારત સરકાર પુરસ્કૃત નિર્મળ ગ્રામ યોજના અન્વયે સને ૨૦૦૯ના વર્ષમાં ગુજરાતની ૩૫૦ ગ્રામ પંચાયતોએ નિર્મળ ગ્રામ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. આજે ગાંધીનગરમાં યોજાયેલાં સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ નિર્મળ ગ્રામ પુરસ્કાર વિજેતા ગ્રામ પંચાયતોના સરપંચોને પુરસ્કાર પ્રદાન કરી ગૌરવ સન્માન કર્યું હતું. જેમાં ૧૦૫ મહિલા સરપંચોને પણ સન્માનિત કરવામાં આવી હતી. રાજ્યની એકંદર ૧૬૭૦ ગ્રામ પંચાયતોએ નિર્મળ ગ્રામ પુરસ્કાર જીત્યા છે.

ઇ-ગ્રામ કનેક્ટીવીટીથી આ ગૌરવ સન્માન સમારોહનું પ્રસારણ ઝીલી રહેલી ૧૩૬૯૩ ગ્રામ પંચાયતોમાં ઉપસ્થિત ગ્રામજનો અને સરપંચોને પ્રેરક આહવાન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નિર્મળ ગ્રામ રાખવું એ કઠીન કામ જરૂર છે પરંતુ જાગૃત નેતૃત્વ અને ગ્રામ શક્તિની સક્રિયતાથી આ કામ પાર પાડવું અઘરૂ નથી તે નિર્મળ ગ્રામ બનનારી ગ્રામ પંચાયતોએ પૂરવાર કર્યું છે.

મહાત્મા ગાંધીજીને સ્વચ્છતા સવોત્તમ પ્રિય હતી અને સ્વચ્છતા રાખીને જ ગાંધી બાપુને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ ગુજરાત જયંતી વર્ષમાં નિર્મળ ગ્રામનું ગૌરવ મેળવવા માટે સંકલ્પબદ્ધ થવા હ્ય્દયસ્પર્શી અપીલ કરી હતી.

જાહેરમાં શૌચક્રિયા એ ગામની માતા-બહેનોને કેટલું પીડાદાયક બની રહેતું હશે એની વેદના વ્યક્ત કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ગોકુલ ગ્રામ, સમરસ ગ્રામ, તીર્થગ્રામ, વિશ્વગ્રામ, જ્યોતિગ્રામ, પાવનગ્રામ એમ અનેકવિધ ગ્રામ વિકાસના આયામોની સફળતા પછી જળવ્યવસ્થાપન ક્ષેત્રે પણ ગામમાં મહિલાઓની પાણી સમિતિએ કિર્તી મેળવી છે ત્યારે આ ઉત્તમ કામોની ગૌરવ કદર કરીને ગુજરાતની ગ્રામીણ નારીશક્તિના પુરૂષાર્થને સિદ્ધિ આપી છે.

આપણાં વિશ્વ પ્રતિષ્ઠા મેળવી રહેલા ગુજરાતમાં કોઇ ગામ શૌચાલયોની સંપૂર્ણ સુવિધાથી વંચિત રહે નહી અને ઉકરડાનું વૈજ્ઞાનિક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરીને ઙ્ફકચરામાંથી કંચનઙ્દ્ય તરીકે સ્વચ્છતા સાથે આર્થિક આવકની પ્રેરક દિશા અપનાવવા તેમણે અપીલ કરી હતી. આપણું ગામ એક કુટુંબ છે અને સ્વચ્છતાના અભિયાન સાથે આવકની પ્રવૃતિને જોડવા તેમણે દષ્ટાંત સાથે સમજ આપી હતી.

ગામડાંના ગોબર બેન્કનો નવતર ખ્યાલ રજૂ કરીને ગુજરાતે પર્યાવરણનો રસ્તો દુનિયાને બતાવ્યો છે એની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગોબર બેન્ક ગામોગામ બને તો ગામ આખું સ્વચ્છ રહેશે જ. નવા જમાના પ્રમાણે ગામમાં નવી વ્યવસ્થા વિકસાવવાની જરૂર ઉપર ભાર મૂકતા તેમણે દરેક ગામમાં પશુઉછેર માટે એનીમલ હોસ્ટેલ શરૂ કરવાનું આહવાન આપ્યું હતું.

ગુજરાત વિકસિત દુનિયાની તોલે ઉભા રહેવાની બધી જ ક્ષમતા ધરાવે છે તેમાં સ્વચ્છતાના કર્તવ્યનું વાતાવરણ ઉભું કરવાની જરૂર છે એમ તેમણે જણાવ્યું હતું.

ડોક્ટર એ રોગના નિવારણની ગેરંટી નથી પરંતુ સ્વચ્છતા તો રોગ અટકાવવાની ગેરંટી છે જ એમ તેમણે જણાવ્યું હતું. દરેક વ્યક્તિ સ્વચ્છ રહેવાની ઇચ્છા રાખે છે એને સામૂહિકતાનું સ્વરૂપ આપીએ અને દરેક સરપંચ નિર્મળ ગ્રામ બનાવવાનો નિતાંત સંકલ્પ કરીને નેતૃત્વને સાર્થક બનાવે એવી અપીલ તેમણે કરી હતી.

નિર્મળ ગ્રામ માટે કોઇ નાણાંની તકલીફ નથી માત્ર સંકલ્પની જરૂર છે એમ જણાવી નિર્મળ ગ્રામ પુરસ્કૃત વિજેતા સરપંચોને અભિનંદન આપતા મુખ્ય મંત્રીશ્રીએ નિર્મળ ગ્રામના તમામ ગ્રામજનોને પણ જાગૃત કર્તવ્યભાવ માટે અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની સુવર્ણ જયંતી વર્ષમાં દરેક યુવક યુવતી એક વર્ષ દરમિયાન સો કલાકનું સમયદાન સેવા માટે આપે એવી યુવા શક્તિને જાહેર અપીલ પણ કરી હતી.

માન. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે યોજાયેલા નિર્મળગામ-સ્વચ્છ ગામ અંગેના પ્રદર્શનને નિહાળ્યું હતું.

આ પ્રસંગે ગ્રામવિકાસ અને શ્રમ રોજગાર રાજ્યમંત્રી શ્રી જસવંતસિંહ ભાંભોર, જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલ, કમિશનર તથા અગ્રસચિવ ગ્રામ વિકાસ વિભાગ શ્રીમતી રીટા તેવટીયા તથા ગ્રામવિકાસ વિભાગના અધિકારીઓ/સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
માહિતી કમિશનરની કચેરી, ગુજરાત

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે ભાવનગરના ધારાસભ્ય શ્રીમતી વિભાવરીબેન દવેના નેતૃત્વમાં સમગ્ર દેશમાં એકમાત્ર ભાવનગર રેલ્વે સ્ટેશનમાં સેવારત મહિલા કુલીઓનું પ્રતિનિધિમંડળ મળ્યું હતું અને રાજ્ય સરકારે મહિલા સશકિતકરણ માટે લીધેલા પગલા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ૦ ટકા મહિલા પ્રતિનિધિત્વના વિધેયક પસાર કરવા માટેની પહેલ બદલ હાર્દિક શુભેચ્છા આપી હતી.

સમગ્ર ભારતમાં એકમાત્ર ભાવનગર રેલ્વે સ્ટેશન ઉપર જ મહિલા કુલીઓ અધિકૃત સેવાઓ આપે છે અને વર્ષોથી પરંપરાગત ધોરણે નારીશકિત કુલી તરીકે પ્રસંશનીય ફરજો નિભાવે છે, વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે આતુર આ અનોખી સેવાવ્રતી મહિલાઓને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા.

ગુજરાત માહિતી બ્યુરો

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપત્તિ નિવારણ-વ્યવસ્થાપનની આંતરરાષ્ટ્રીય પરિષદનું અમદાવાદમાં ઉદ્દધાટન કરતા જણાવ્યું હતું કે ર૧મી સદીના પ્રથમ દશકમાં જ ગુજરાતે દેશ અને દુનિયામાં દિશાદર્શક એવું આપત્તિ વ્યવસ્થાપનનું નિર્ણાયક યોગદાન આપ્યું છે.

વિનાશક ભૂકંપ પછી આફતોને અવસરમાં બદલવાની ક્ષમતા ગુજરાતે પૂરવાર કરી છે અને સમગ્રતયા આપત્તિ વ્યવસ્થાપનને સુગ્રથિત મોડેલ તરીકે વિકસાવીને સમાજને આપત્તિ સમયે સુરક્ષિત કરવા જનશિક્ષાનું તથા કાનૂની સુરક્ષાનું નેટવર્ક ઉભૂં કરવામાં ગુજરાત પ્રથમ રાજય બન્યું છે એમ તેમણે અમદાવાદમાં યોજાયેલી આપત્તિ નિવારણની આ પરિષદમાં ઉપસ્થિત વિદેશી તજ્જ્ઞો, ભારતના વિવિધ રાજ્યોના અધિકારીઓ તથા ઇજનેરો સમક્ષ જણાવ્યું હતું.

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ, આઇઆઇટી, ગુજરાત અને અન્ડરરાઇટર્સ લેબોરેટરી, ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે યોજાયેલી આ પરિષદમાં ખાસ કરીને આગ-અકસ્માત સુરક્ષા અને ભૂકંપ એન્જીનિયરીંગ ક્ષેત્રમાં આપત્તિ નિવારણ વિષયક પેનલ-ચર્ચાસત્રો યોજવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતનું ભૂ-ભૌગોલિક માઇક્રો-મેપીંગ સેટેલાઇટ ટેકનોલોજીનો વિનિયોગ કરીને હાથ ધરનારૂં એકમાત્ર ગુજરાત છે એટલું જ નહીં, છેક ગ્રામ્યસ્તરના પાયાના સરકારી કર્મયોગીથી લઇને રાજયસ્તરના સચિવ સુધી આપત્તિને પહોંચી વળવા જ નહી, પરંતુ આપત્તિનું નિવારણ કરવાની ક્ષમતા સાથે આપત્તિ વ્યવસ્થાપનનું સુગ્રથિત તંત્ર ગુજરાત સરકારે કાર્યરત કરેલું છે.

આપત્તિ નિવારણ અને વ્યવસ્થાપન ક્ષેત્રને સંસ્થાગત સ્વરૂપ તરીકે સુઆયોજિત સર્વગ્રાહી મોડેલ તરીકે વિકસાવવામાં ગુજરાત સરકારે માનવશકિત પ્રશિક્ષણ વિકાસ અને ટેકનોલોજી અપગ્રેડેશનનો વિનિયોગ કરવામાં કાનૂની અને નિયમન તંત્રનું પીઠબળ પુરૂં પાડયું છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

રાજ્યના શહેરોમાં આફતને પહોંચી વળવા માટે નગરપાલિકાઓને આધુનિકત્તમ અગિ્નશમન અને આપત્તિવ્યવસ્થાપનમાં તત્કાળ રાહત બચાવના સંસાધનોથી સુસજ્જ કરવામાં આવી છે અને શાળાઓમાં સુરક્ષાના પ્રોજેકટનો અમલ કરવામાં ગુજરાત અગ્રેસર રહયું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

ર૧મી સદીની બદલાતી જીવનશૈલીથી ઉભા થતા આકસ્મિક પડકારો અને શહેરીકરણ તથા ઔઘોગિકરણની ઝડપને ધ્યાનમાં રાખીને ગુજરાતે આપત્તિ-નિવારણ માટે જનશકિતનું ક્ષમતા-સંવર્ધન કરવા જનશિક્ષા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે તેની રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માળખાકીય સુવિધા અને વ્યવસ્થાપનની સફળતાનો આધાર કોઇપણ આફતમાં સમયસર તેનો વિનિયોગ થાય છે કે કેમ તે જ રહી છે અને તેથી લોકશિક્ષણ નિર્ણાયક પધ્ધતિથી અનિવાર્ય બની જાય છે.

આ સંદર્ભમાં, મુખ્યમંત્રીશ્રીએ આપત્તિ નિવારણ અને વ્યવસ્થાપનનું પ્રશિક્ષણ વિશેષ કરીને સમાજની નારીશકિતને આપવાનું પ્રેરક સૂચન કર્યું હતું અને જણાવ્યું હતું કે નાની ક્ષતિઓ અને ભૂલોની નિષ્કાળજી મોટી આફતને નોતરી શકે છે ત્યારે નારીસમાજને આપત્તિ નિવારણ માટે સંવેદનશિલ પ્રશિક્ષિત કરીને તેને સંસ્થાગત સ્વરૂપે વિકસાવવાની વ્યવસ્થા જરૂરી છે.

મુખ્યમંત્રીશ્રીએ આપત્તિ આવે ત્યારે વ્યવસ્થાપનના સુગ્રથિત પ્રબંધની સાથે સાથે આપત્તિ નિવારવા માટેની જનજાગૃતિ અને જનશિક્ષણ ઉપર પણ ભાર મૂકયો હતો.

ઉદ્‍ધાટન સત્રમાં યુ.એલ. ઇન્ડીયાના મેનેજિંગ ડિરેકટરશ્રી આર. એ. વૈંકટચલ્લમ, આઇઆઇટી ગુજરાતના નિયામક પ્રો. સુધીર જૈન, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના મુખ્ય કાર્યવાહક અધિકારી ડો. આર. બેનરજી અને અધિક મુખ્ય કાર્યવાહકશ્રી વી. થીરૂપુગલે ગુજરાતમાં આપત્તિવ્યવસ્થાપન ક્ષેત્રના નવા આયામો અને પડકારોને પહોંચી વળવાના કાર્યવ્યૂહની ભૂમિકા આપી હતી.

આ પ્રસંગે, ગુજરાત વીજ નિયંત્રણ સત્તામંડળના અધ્યક્ષ ડો. પી. કે. મિશ્રા, મહેસૂલના અગ્ર સચિવશ્રી આર. પનિરવેલ પણ ઉપસ્થિત રહયા હતા.

ગુજરાત માહિતી બ્યુરો

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાંચે ગુજરાત અને યુવાશકિત દ્વારા ૧૦૦ કલાકનું સમયદાન જેવા બે શિરમોર સમા જનઆંદોલનોમાં જોડાઇ જવા સમસ્ત ગુજરાતના જન-જનને આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે સ્વર્ણિમ જ્યંતીની ઉજવણીનો આ અવસર, ગુજરાતની સમાજશકિતના સામર્થ્યની અનુભૂતિ કરાવનારો શિરમોર બની રહેવાનો છે.

“ર૧મી સદી-જ્ઞાનની સદી” ગુજરાતના સમાજજીવનમાં સંસ્કાર ધડતરના બે અનોખા જનઅભિયાનો “વાંચે ગુજરાત” અને યુવાશકિતનું સોકલાકનુંસમયદાનમાં સમસ્ત ગુજરાતના નાગરિકોને પ્રેરિત કરવા આજે મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં માર્ગદર્શક વિચારગોષ્ઠીનું આયોજન કર્યું હતું. ગુજરાતના સમાજજીવનના અગ્રણીઓ, સાહિત્યકારો, કેળવણીવિદો અને સેવા સંગઠ્ઠનોના આમંત્રિતોની આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિએ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં જનશકિતની અનોખી ભાગીદારીના દર્શન કરાવ્યા હતાં. BISAG અને GSWANના આઇટી નેટવર્ક દ્વારા સમગ્ર ગુજરાતની શાળા-કોલેજો અને ગ્રામ્યસ્તરે જિલ્લાઓમાં આ અવસરનું જીવંત પ્રસારણ થયું હતું જેનો ૭પ લાખ યુવકોએ લાભ લીધો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વાંચે ગુજરાત અને સમયદાનની બે વેબસાઇટનો પ્રારંભ કરાવ્યો હતો.

“વાંચે ગુજરાત” અભિયાનની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે લગભગ રોબોટ જેવી યંત્રવત જિંદગીની ધરેડમાં, સમસ્યાઓ અને મૂંઝવણોના એકલતાની કમનસિબ સ્થિતિમાંથી ઉગરવાનો ઉપાય છે, પુસ્તક-વાંચનની પ્રેરણા પાંચ હજાર વર્ષની માનવીય સંસ્કૃતિના વિકાસમાં રામાયણ-મહાભારત જેવા ગ્રંથોના પ્રકાશમાં જીવનશૈલી જોડાયેલી છે. જ્ઞાનની યાત્રામાં ભારત સર્વોપરી રહ્યું છે અને એમાં જ્ઞાનના ગ્રંથો સદા સંકટોના માર્ગદર્શક બન્યા છે. ઉપનિષદ સ્મૃતિ-શ્રુતિ જેવા સમયાનુકુળ દરેક યુગમાં જ્ઞાનની ઉપાસનાને સમાજે સ્વીકારેલો છે. કમનસિબે ટેકનોલોજીના પ્રભાવમાં માહિતી સ્ત્રોતો જ્ઞાનને ધક્કો મારી રહ્યાં છે. માહિતીના વિસ્ફોટમાં જ્ઞાનની ઉપાસના જ જીવનનો રસ્તો બતાવી શકે અને ધન અંધકારમાં પણ રસ્તો બનાવવો હોય તો જ્ઞાનનો પ્રકાશ જ કામીયાબી આપી શકશે.

પુસ્તક વાંચન એ જ્ઞાનના કોઇપણ સ્વરૂપને યથાર્થ બનાવે છે અને જીવનનું સામર્થ્ય બતાવી શકે છે એનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે જ્ઞાનપ્રાપ્તિ માટે જ નહીં, પણ પુસ્તક વાંચન વિચાર શૃંખલાને ઝકજોર કરી શકે છે અને તે જ વિકાસની ઊર્જા બની રહે છે. ર૧મી સદી જ્ઞાનની સદી હોય તો ગ્રંથ સાથે વાંચનનો નાતો જોડવો જ રહ્યો. સ્વર્ણિમ જ્યંતી વર્ષની ઉજવણીના અનેકાનેક સ્વરૂપો છે પણ તેમાં “વાંચે ગુજરાત” અભિયાન શિરમોર હશે. એટલું જ નહીં, સમગ્ર દેશમાં અને દુનિયામાં ગુજરાતની સ્વર્ણિમ જ્યંતિ ઉજવણીનું મૂલ્યાંકન પણ શિરમોર બની રહેવાનું છે એવો દ્રઢ વિશ્વાસ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યકત કર્યો હતો.

હજારો વર્ષની ગૂલામીના કાળખંડમાં માત્ર આઝાદીનું આંદોલન, સમાજજીવનની સ્થગિતતામાં ચેતના ઉજાગર કરવાની વૈચારિક ક્રાંતિ બની ગઇ હતી તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કમનસિબે આઝાદી પછી આ વિચાર કેપ્સુલમાં પૂરાઇ ગયો-સમાજ માટે દેશ માટે જીવવાની યુવાપેઢીમાં પ્રેરણા આપે તેવો આ સ્વર્ણિમ જ્યંતી વર્ષનો અવસર બની રહે એવો સંકલ્પ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ આગામી પચાસ વર્ષો સુધી ગુજરાતની યુવાશકિતને ભારત માટે કર્તવ્યભાવથી પ્રેરિત કરવાનો અવસર બની રહે તેવું આહ્્‍વાન ઝીલવા યુવાપેઢીને તેમણે પ્રેરણા આપી હતી.

“દરેક ધરમાં ગ્રંથમંદિર હોવું જ જોઇએ” એવા સંકલ્પની પ્રેરણા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે એવું તો ધર ના હોય જ્યાં પુસ્તકના હોય! કમનસિબે પુસ્તક સાથેનો આપણી વર્તમાન પેઢીનો નાતો છૂટી ગયો છે એને જીવંત બનાવવો છે. પરિવારમાં વાંચનનું વાતાવરણ કેમ ના બને? સ્વાગત પ્રવૃત્તિમાં “બુકે” (પુષ્પગુચ્છ) શા માટે અપાય, બુક (પુસ્તક) કેમ નહીં? “સમાજજીવનમાં બદલાવ લાવવા માટે સંસ્કારનો નાનકડો પ્રયોગ પણ નવી ચિનગારીનો પ્રકાશ પ્રગટાવી શકે છે” એના પ્રેરણાદાયી દ્રષ્ટાંતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ પુસ્તકના મહાત્મ્યને નવી પેઢીમાં પ્રસ્થાપિત કરવા અને વાંચેગુજરાત તથા સમયદાનજનઆંદોલન બને તેવી હ્વદયસ્પર્શી અપીલ કરી હતી.

“પુસ્તક વાંચનની બંધ બારી તો ખોલો”-આખરી તાર્કિક વૃત્તિ તો સંસ્કારી વાંચનની દિશા ભણી ચોક્કસ બાળકને લઇ જશે એમ તેમણે જણાવ્યું હતું.

“બાળકને મન વાંચન એટલે પાઠયપુસ્તક દ્વારા પરીક્ષા પાર કરવાની તૈયારીમાંથી પુસ્તક વાંચન દ્વારા જીવન પાર ઉતરવાની તૈયારી-એ માટે વાંચે ગુજરાત અભિયાન ગુજરાતના સમાજજીવનમાં વાંચનના વાતાવરણથી ગુજરાતને ધેલું બનાવી દે એવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.”

“પુસ્તકોની પરખ” એ જ્ઞાનની ઉપાસના છે. ગુજરાતમાં હેમચન્દ્રાચાર્યના જમાનાથી ગ્રંથની પરંપરાનું ગૌરવ લેવાનો વારસો ધરાવતો આ સમાજ વાંચેગુજરાત દ્વારા ગ્રંથસારથી બની ગ્રંથમંદિરનું સામૂહિક શકિત રૂપે નિર્માણ કરે તેવી અપીલ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

લાખ જેટલા “તરતાં પુસ્તક”ની અભિનવ યોજનામાં સમાજના અનેક મહાનુભાવો પુસ્તકમિત્ર તરીકે જોડાય અને પુસ્તક તરતાં મૂકીને વાંચેગુજરાતનો મહિમા લાખો ધરમાં સંવર્ધિત કરશે એમ પણ તેમણે જણાવ્યું હતું અને આ સંસ્કાર અભિયાનના અનેકવિધ આયામોની રૂપરેખા આપી હતી.

સ્વર્ણિમ ગુજરાત જ્યંતી અભિયાન સમાજજીવનની શકિતને જોડવા માટેનો અવસર બની રહે તે માટે નાગરિક કર્તવ્યભાવનું વાતાવરણ પ્રગટાવવા સમયદાન અભિયાનની ભૂમિકા તેમણે આપી હતી.

આઝાદી કાજે દેશ માટે મરવાનું સૌભાગ્ય હતું હવે આઝાદી પછી દેશ માટે જીવવાનો અવસર એટલે સમાજનું ઋણ ચૂકવવા માટે કર્તવ્ય નિભાવવાનું ૧૦૦ કલાકનું સમયદાન એવા ભાવ સાથે યુવાશકિતને તેમણે આહ્્‍વાન કર્યું હતું.

“મારી ગુજરાતના હોનહાર યુવક-યુવતિઓને અપીલ છે કે ગુજરાતની સ્વર્ણિમ જ્યંતિના પ૦ વર્ષની ઉજવણી નિમિત્તે, ૧૦૦ કલાકનું સમયદાન સેવાપ્રવૃત્તિ માટે આપે. શિક્ષણ, આરોગ્ય સ્વચ્છતા અને પર્યાવરણ ક્ષેત્રની કોઇ એક પ્રવૃત્તિમાં દરેક યુવાન આખા વર્ષ દરમિયાન સો કલાક સેવાનું સમયદાન કરવાનો સંકલ્પ પાર પાડશે” એવું પ્રેરક આહ્્‍વાન તેમણે કર્યું હતું.

આ અવસરે “તરતાં પુસ્તક” અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ બે પુસ્તકો પુસ્તકમિત્ર-વિઘાર્થીઓને એનાયત કર્યા હતા. રાજ્યપાલશ્રી ડો. શ્રીમતી કમલાજી, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સહિત રાજ્યના ૧૮ પ્રતિષ્ઠિત મહાનુભાવોએ આ અભિયાન માટે અર્પણ કરેલાં ર૦પ પ્રેરણાદાયી પુસ્તકો તરતાં પુસ્તક રૂપે ગુજરાતમાં વાંચન અભિયાનમાં જોડાયા છે. યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકો દ્વારા સંશોધન અભ્યાસના રિસર્ચ જર્નલનું વિમોચન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

“આપણા પૂર્વજોના સુખશાંતિના બલિદાનથી આપણે આજે આઝાદીની હવામાં જીવી રહ્યા છીએ અને આપણું કર્તવ્ય એ જ હોઇ શકે કે આવનારી પેઢી માટે આપણે ૧૦૦ કલાકની સમયસેવા પણ ના આપી શકીએ?-સામાજિક ક્રાંતિ અને પરિવર્તનની અલભ્ય તક છે, સ્વર્ણિમ જ્યંતીનો અવસર” એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ એવા મહાસંકલ્પની પ્રેરણા આપી હતી કે ગુજરાત આજે વિકાસમાં અગ્રેસર છે પરંતુ આપણું સપનું તો ગુજરાતની સામર્થ્ય શકિતની વિશ્વમાં ઓળખ ઉભી કરવાનું છે એમ તેમણે જણાવ્યું હતું.

સમાજના શ્રેષ્ઠીજનો અને સરસવતી ઉપાસકો, શબ્દ સ્વામીઓની ઉપસ્થિત વાંચે ગુજરાતના અભિયાનને સફળ બનાવશે એમ મુખ્યમંત્રીશ્રીએ અંતરની અભિલાષા વ્યકત કરી હતી.

આ વાંચે ગુજરાત અભિયાનના પ્રારંભમાં શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, રાજ્યની સ્થાપનાની સુવર્ણજ્યંતી પ્રસંગે જનભાગીદારીથી શરૂ થતો આ મહાજ્ઞાનયજ્ઞ સ્વર્ણિમ જ્યંતી ઉજવણીની ચરમસીમાએ પહોંચશે ત્યારે રાજ્યભરમાં ર૧મી સદીમાં જ્ઞાનનો નવો આવિષ્કાર કરાવનારો બની રહેશે. તેમણે ઉમર્યું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિથી શાળાપ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા અને ગુણોત્સવ જેવા અભિયાનોએ શિક્ષણ ક્ષેત્રે જે ક્રાંતિ સર્જી છે તેવી જ નવી વૈચારિક ક્રાંતિ “વાંચે ગુજરાત” અભિયાનથી સમાજમાં અનેરી ચેતના પ્રગટાવશે. રાજ્યના યુવાનો રાજ્યના વિકાસમાં ૧૦૦ કલાકનું સમયદાન આપશે તો ચોક્કસ વિકાસયાત્રામાં નવી ક્રાંતિ સર્જશે તેમ તેમણે ઉમેર્યું હતું.

શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી ડો. હસમુખ અઢિયાએ આભાદર્શન કર્યું હતું તેમણે આ અભિયાનના શુભારંભે ઉપસ્થિત સૌ કેળવણીકારો, સાહિત્ય શ્રેષ્ઠીઓને વાંચે ગુજરાત અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે મંત્રીમંડળના સભ્યો સર્વશ્રી આનંદીબેન પટેલ, નીતિનભાઇ પટેલ, ફકીરભાઇ વાધેલા, મંગુભાઇ પટેલ, જયસિંહ ચૌહાણ, વાસણભાઇ આહિર સહિત લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો સર્વશ્રી રધુવીર ચૌધરી, ચીનુ મોદી, ભોળાભાઇ પટેલ, કૃષ્ણ દવે, હર્ષદ ત્રિવેદી તથા નિતીન વડગામા વગેરે ઉપરાંત શિક્ષણવિદો સહિત ૧૦૦ કલાક સમયદાન આપનાર યુવાનો અને વાંચન પ્રેમીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાત માહિતી બ્યુરો

morpinch1